ચાર આંખો શું થઈ બસ
char aankho shu thai bas ek
નાઝ માંગરોલી
Naaz Mangroli

ચાર આંખો શું થઈ બસ એક બહાનું થઈ ગયું,
એટલું કારણ જીવનભરની વ્યથાનું થઈ ગયું.
લાખ કીધા યત્ન પણ બુદ્ધિનું કંઈ ચાલ્યું નહિ,
દિલ પ્રણય-આવેશમાં છેવટ દીવાનું થઈ ગયું.
વિરહી જન માટે ઘડી આ મોતથી કંઈ કમ નથી,
લો ફરી આજે ગગન તારા વિનાનું થઈ ગયું.
આપના લીધે હતા સી 'નાઝ'ના ચાહક જગે,
આપ જ્યાં રૂઠ્યા જગત દુશ્મન સદાનું થઈ ગયું.
છે જો હમદર્દી તો બગડેલું સુધારી દો તમે,
એમ આપોમાં દિલાસા કે થવાનું થઈ ગયું.
વિરહી દિલની સાધના જ્યારે ફળીભૂત થઈ પ્રભુ,
ત્યારે મૃત્યુ તુજથી મળવાનું બહાનું થઈ ગયું.
તારલા રડતા ગયા ને ફૂલ સૌ હસતાં રહ્યાં,
જગ સભામાં આગમન જ્યારે ઉષાનું થઈ ગયું.



સ્રોત
- પુસ્તક : અમર ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 162)
- સંપાદક : એસ. એસ. રાહી, રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની, અમદાવાદ
- વર્ષ : 2024
- આવૃત્તિ : પ્રથમ આવૃત્તિ, પુનર્મુદ્રણ