tane - Ghazals | RekhtaGujarati

કોઈ સમજી જાય પણ હું કેમ સમજાવું મને?

ખૂબ છું લાચાર હરહંમેશ હું મારી કને.

એક દરિયામાં સરકતી જાય પેલી ચાંદની

આજ એવું પણ બને કે ખારું જળ મીઠું બને.

હોય સો સો પાંખડીનું એક ખુશ્બોનું જગત

પાંપણો ભીની થશે ત્યારે દેખાશે તને.

કોઈ છે કોણ? કેવો હોય છે દેખાવમાં?

આજ શું છે કે પવન ધારણ કરે છે દેહને?

હું ‘ચિનુ’ના ધડ ઉપર ‘ઇર્શાદ’નું માથું મૂકી

દોડતો સમરાંગણે ને વીંઝતો તલવારને.

(ફેબ્રુ.’૭૮, મે’૧૧)

સ્રોત

  • પુસ્તક : ઇર્શાદ (પૃષ્ઠ ક્રમાંક 49)
  • સર્જક : ચિનુ મોદી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2012