ramta ram hata - Ghazals | RekhtaGujarati

રમતા રામ હતા

ramta ram hata

સૈફ પાલનપુરી સૈફ પાલનપુરી
રમતા રામ હતા
સૈફ પાલનપુરી

ખુશ્બૂમાં ખીલેલાં ફૂલ હતાં ઊર્મિમાં ડૂબેલાં જામ હતાં,

શું આંસુનો ભૂતકાળ હતો, શું આંસુનાં પણ નામ હતાં.

થોડીક શિકાયત કરવી’તી થોડાક ખુલાસા કરવા’તા,

મોત જરા રોકાઇ જતે, બે ચાર મને પણ કામ હતાં.

ચાંદની રાતે નીકળ્યો'તો ને મારી સફર ચર્ચાઈ ગઈ,

કંઈ મંઝિલ પણ મશહૂર હતી, કંઈ રસ્તા પણ બદનામ હતા.

જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી'તી,

બહુ ઓછાં પાનાં જોઇ શક્યો, બહુ અંગત અંગત નામ હતાં.

પેલા ખૂણે બેઠા છે ‘સૈફ’ છે મિત્રો જાણો છો?!

કેવો ચંચલ જીવ હતો ને કેવા રમતા રામ હતા!

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 114)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004