mayanagri - Ghazals | RekhtaGujarati

જળથળમાં માયાનગરી છે મનને તું પાછું વાળી લે

મોહમયી પણ મગરી છે મનને તું પાછું વાળી લે

ખોલ નહીં એવા કાગળને જેના સરનામે તાળું છે

પીડાની અંગત વખરી છે મનને તું પાછું વાળી લે

કોણ પવનને અંધ કરે છે કોણ લખે છે ગંગાલહરી

વાત સમજવી અઘરી છે મનને તું પાછું વાળી લે

લાગે છે કે દુઃખનો સૂરજ મૂશળધારે વરસી પડશે

અહીં સહુની માથે છતરી છે મનને તું પાછું વાળી લે

ઊંચા સાદે બોલું છું તો ધ્રુજે છે ઘરની ભીંતો

મૂંગા ઘરમાં રજ નકરી છે મનને તું પાછું વાળી લે

વર્ષો બાદ તને ભેટ્યાની ઘટના સોનેરી નળિયાં છે

ગાંઠે તાંદુલની ગઠરી છે મનને તું પાછું વાળી લે

મનમંડપમાં ચંદ્ર ઊગ્યો ને તનસમદરમાં લોઢ ઉછળ્યા

ગત જન્મોની ગત વકરી છે મનને તું પાછું વાળી લે

સ્રોત

  • પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 170)
  • સંપાદક : દીપક મહેતા
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • વર્ષ : 2008