chandane sambodhan - Ghazals | RekhtaGujarati

ચંદાને સંબોધન

chandane sambodhan

કાન્ત કાન્ત
ચંદાને સંબોધન
કાન્ત

તને હું જોઉં છું, ચંદા! કહે, તે જુએ છે કે?

અને આંખની માફક કહે, તેની રુએ છે કે?

અને તવ નેત્રમાં તે નેત્રનું પ્રતિબિંબ જોવાને,

વખત હું ખોઉં તેવો શું; કહે, તે ખુએ છે કે?

સખી! હું તો તને જોતાં, અમે જોયેલ સાથે તે?

સ્મરતાં ના શકું સૂઈ! કહે, સાથી સુએ છે કે?

સલૂણી સુંદરી ચંદા! ધરી તવ સ્વચ્છ કિરણોમાં

હૃદયનાં ધોઉં છું પડ હું: કહે, તેએ ધુએ છે કે?

રસપ્રદ તથ્યો

(૧૯૦૧), માણેકઠારી પૂનમ

સ્રોત

  • પુસ્તક : પૂર્વાલાપ (પૃષ્ઠ ક્રમાંક 68)
  • સંપાદક : વિનોદ અધ્વર્યુ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2000