bhiitar ujaas ujaas chhe, aankhonun shun thashe? - Ghazals | RekhtaGujarati

ભીતર ઉજાસ ઉજાસ છે, આંખોનું શું થશે?

bhiitar ujaas ujaas chhe, aankhonun shun thashe?

હરીન્દ્ર દવે હરીન્દ્ર દવે
ભીતર ઉજાસ ઉજાસ છે, આંખોનું શું થશે?
હરીન્દ્ર દવે

ભીતર ઉજાસ ઉજાસ છે, આંખોનું શું થશે?

ફોરમ તો વિસ્તરી ગઈ, ફૂલો ક્યાં ફૂટશે!

મારા ઉદાસ દિલમાં વળે છે ફરી કરાર,

પાછું તમારા મૌનમાં સાંત્વન ભળ્યું હશે!

આજે તળેટી પર નવી દોડધામ છે,

કોઈ શિખરના સ્થાન પરે ખળભળ્યું હશે!

શક્ય છે કે ફૂલ સાચાં હોય પણ,

અડકું, ને પાંખડી ખરી પડે તો શું થશે?

આગળ હવે કોઈનાં પગલાં કળાય છે,

પાછળ રહ્યા છે એને જવા દો તો જશે.

પાલખ ઉપર બધાંયે કબૂતર અબોલ છે,

ઘૂવડને જઈ કહો કે ગાશે તો ચાલશે.

દીવાનું લાલ તેજ છે આઘેની બારીએ,

દરવાજે અંધકાર શું ખોટી થયો હશે?

સ્રોત

  • પુસ્તક : હયાતી (પૃષ્ઠ ક્રમાંક 39)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ
  • વર્ષ : 1984
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ