bheent mungi rahi - Ghazals | RekhtaGujarati

ભીંત મૂંગી રહી

bheent mungi rahi

મનોજ ખંડેરિયા મનોજ ખંડેરિયા
ભીંત મૂંગી રહી
મનોજ ખંડેરિયા

આંગણું બડબડ્યું, ડેલી બોલી પડી, ભીંત મૂગી રહી

ઘર વિષે અવનવી વાત સહુએ કરી, ભીંત મૂગી

આભમાં ઊડતી બારીઓ પથ્થરે કાં જડાઈ ગઈ?

વાત પૂછનારેય પૂછી ઘણી, ભીંત મૂંગી રહી

‘આવજો કે'વું શું પથ્થરોને?' ગણી કોઈએ ના કહ્યું

આંખ માંડી જનારાને જોતી રહી, ભીંત મૂંગી રહી

ઘર ત્યજી કોઈ ચાલ્યું ગયું પછી બારીએ બેસીને

માથું ઢાળી હવા રાત આખી રડી, ભીંત મૂંગી રહી

કાળના ભેજમાં ઓગળી ઓગળી ખવાતી રહી

કોઈએ વિષે કો દી પૂછ્યું નહીં, ભીંત મૂંગી રહી

સ્રોત

  • પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 121)
  • સંપાદક : સુરેશ દલાલ, જયા મહેતા
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1989