ઘડીમાં તાજ ઠુકરાવે ફકીરોનો ભરોસો શું?
Ghadima Taj Thukrave Fakirono Bharoso Shu
ઘડીમાં તાજ ઠુકરાવે ફકીરોનો ભરોસો શું?
શહેનશાહોને શરમાવે ફકીરોનો ભરોસો શું?
ચિલમના એક ભડકામાં જ એ સોનું બનાવીને,
નદીમાં એને પધરાવે ફકીરોનો ભરોસો શું?
અનલ, આકાશ, વાયુ, જળ અને પૃથ્વીને છોડીને
પ્રણયનું તત્ત્વ સમજાવે ફકીરોનો ભરોસો શું ?
તળેટીમાં કદી ધૂણી ધખાવે સાધુઓ સાથે,
અલાવો ક્યાંક ચેતાવે ફકીરોનો ભરોસો શું?
ભિખારી શાહના દરવાજે જઈને હાથ ફેલાવે,
ફકીરો તાજ ઠુકરાવે ફકીરોનો ભરોસો શું?
કદી આહ્લેક હકની એ લગાવી પ્રાણ ત્યાગી દે,
કદી સંજીવની લાવે ફકીરોનો ભરોસો શું?
બતાવી દેવા અંધારાને એની હેસિયત શું છે?
ઢળેલો સૂર્ય લઈ આવે ફકીરોનો ભરોસો શું?
તગઝ્ઝુલથી તસવ્વુફનું કરીને ઉર્ધ્વ આરોહણ,
ધજા પોતાની ફરકાવે ફકીરોનો ભરોસો શું?
થઈને બેફિકર દુનિયાથી, ભટકે એ વનેવનમાં,
કદી વસ્તી મહીં આવે ફકીરોનો ભરોસો શું?
'શકીલ' આંખોમાં વાંચી એમની મેં પણ લખી દીધુ-
સમજદારોને સમજાવે ફકીરોનો ભરોસો શું?
સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ