beket, kaphka, kamuo sachwi rakho - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બેકેટ, કાફકા, કામુઓ સાચવી રાખો

beket, kaphka, kamuo sachwi rakho

આદિલ મન્સૂરી આદિલ મન્સૂરી
બેકેટ, કાફકા, કામુઓ સાચવી રાખો
આદિલ મન્સૂરી

બેકેટ, કાફકા, કામુઓ સાચવી રાખો

ઊછળતા અબ્ધિમાં ટાપુઓ સાચવી રાખો

તમારી પીઠે સજાવી ગયા છે જે મિત્રો

કરીને સ્વચ્છ ચાકૂઓ સાચવી રાખો

વસંત બાગમાં પાછી કદાચ ના આવે

રહી સહી બધી ખુશ્બૂઓ સાચવી રાખો

જરૂર પડશે ફરી હૂંફની ગમે ત્યારે

સ્મરણમાં કોઈના બાહુઓ સાચવી રાખો

કહે છે સાપ મરેલાયે કામ આવે છે

વીતેલાં વર્ષોના શત્રુઓ સાચવી રાખો

બધાંય સ્વપ્નને પાછાં જગાડવાં પડશે

કોઈની આંખના જાદુઓ સાચવી રાખો

દરેક ડગલે ને પગલે ઉદાસ ના થાઓ

મુકામ દૂર છે આંસુઓ સાચવી રાખો

જરૂર પડવાની ગાડાંઓ વાળવા માટે

દરેક માર્ગમાં ઢાબુઓ સાચવી રાખો

બીજે બધે ભલે વપરાય છૂટથી તો પણ

કાફિયાઓમાં સાચવી રાખો

તમારા હોવાનું એકાંત માણવા માટે

નજીક દૂરના ટાપુઓ સાચવી રાખો

જનાઝા એક પછી એક લૈ જવા આદિલ

થયા જે એકઠા ડાઘુઓ સાચવી રાખો

સ્રોત

  • પુસ્તક : ગઝલના આયનાઘરમાં (પૃષ્ઠ ક્રમાંક 196)
  • સર્જક : આદિલ મન્સૂરી
  • પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન
  • વર્ષ : 2003