badhe andharni chadar sajaavine - Ghazals | RekhtaGujarati

બધે અંધારની ચાદર સજાવીને

badhe andharni chadar sajaavine

રાકેશ હાંસલિયા રાકેશ હાંસલિયા
બધે અંધારની ચાદર સજાવીને
રાકેશ હાંસલિયા

બધે અંધારની ચાદર સજાવીને,

હવા ચાલી ગઈ દીવા બુઝાવીને.

ભલે આવે સમય બાંયો ચડાવીને,

નથી ઊભો હુંયે મસ્તક નમાવીને.

ચરણ મૂકે ને થઈ જાતો તરત રસ્તો,

ઘણાં આવ્યાં નસીબ એવું લખાવીને.

પૂછો એને જરા ઢેબરાનો સ્વાદ,

જીવે છે જાતને કાયમ દબાવીને.

ઘણાં ફરિયાદ કરતાં ઉંબરે ઊભાં,

પ્રવેશી ગ્યાં ઘણું માથું નમાવીને.

પહાડોને કહે છે કે હટી જાઓ,

થયો મગરૂર કાગળ બે ઉડાવીને!

કર્યો સૉનેટનો ઉલ્લેખ અમથો ત્યાં,

ગઝલ બેસી ગઈ લ્યો મોં ફુલાવીને.

સ્રોત

  • પુસ્તક : કવિલોક : જુલાઈ-ઑગસ્ટ ૨૦૧૬ (પૃષ્ઠ ક્રમાંક 21)
  • સંપાદક : ધીરુ પરીખ, પ્રફુલ રાવલ
  • પ્રકાશક : કવિલોક ટ્રસ્ટ