babu phensini gajhal - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બાબુ ફેન્સીની ગઝલ

babu phensini gajhal

નયન હ. દેસાઈ નયન હ. દેસાઈ
બાબુ ફેન્સીની ગઝલ
નયન હ. દેસાઈ

હસવું એટલે કરવતનો પર્યાય છતાં પણ હસે આંધળું બાબુ ફેન્સી,

માણસ આમ તો સારાં તો પણ માણસ રુપે જીવે ચાંગળું બાબુ ફેન્સી.

થોડાં અંદાજી સ્વપ્નોની રકઝક વચ્ચે મટકું માંડે ભરી સવારે,

બારી વચ્ચે બપોર આવી બેસે ત્યારે સૂએ પાતળું બાબુ ફેન્સી.

છાતીને શ્વાસો વચ્ચેની સરહદ નક્કી કરતાં કરતાં સુવાંગ હાર્યા,

કચ્ચરઘાણ થયેલી ઘટનાઓનું કોઈ મેદાન મોકળું બાબુ ફેન્સી.

ખરવાની ક્રિયા બાબુભાઈ યાને કે ગમખ્વાર ક્રિયાપદ ચૂસે નામ ને,

પંચાવન વર્ષોથી ઊભું ઈચ્છાનું ખંડેર દોદળું બાબુ ફેન્સી.

ઉંડા વમળમાં કોતરણીમય શ્વાસ મળેલા ત્રાંબા પતરે વંશ વારસે,

ડૂમો-ધ્રાસકો કશુંક હાંફળું કશુંક ફાફળું બાબુ ફેન્સી.

સ્રોત

  • પુસ્તક : મુકામ પોસ્ટ માણસ
  • સર્જક : નયન દેસાઈ
  • પ્રકાશક : તન્વી પ્રકાશન