awsar - Ghazals | RekhtaGujarati

ડાળ ડાળથી ખરી જવાના અવસર આવ્યા

કૂંપળ સુધી ફરી જવાના અવસર આવ્યા

ખેતર ખેતર તેતર રમતાં દીઠાં પાછાં

વગડા વેરે વરી જવાના અવસર આવ્યા

માટીમાં મન રોપ્યું'તું મેં કો’ક સવારે

જળસંગે ત્યાં સરી જવાના અવસર આવ્યા

ફાંટ ભરીને ઋતુઓ લાવી ખળે ખેતરે

તડકાઓ તરી જવાના અવસર આવ્યા

વૃક્ષે વૃક્ષે સાદ પાડતી નીરવતા લ્યો

વાત કાનમાં કરી જવાના અવસર આવ્યા

વયની ડાળે કાચી કેરી લૂમે ઝૂમે

વેળા એંઠી કરી જવાના અવસર આવ્યા

દૂર સીમમાં કો’ક ગાય છે ગીત ગગનનું

હરિવર અમને હરી જવાના અવસર આવ્યા

જળમાં, તળમાં, દીવા બળતા દશે દિશામાં

દૂર મલકમાં ફરી જવાના અવસર આવ્યા

સ્રોત

  • પુસ્તક : વિચ્છેદ (ગ્રામચેતનાની કવિતાનો સંચય) (પૃષ્ઠ ક્રમાંક 29)
  • સર્જક : મણિલાલ હ. પટેલ
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2006