atkal bani gai jindgi! - Ghazals | RekhtaGujarati

અટકળ બની ગઈ જિંદગી!

atkal bani gai jindgi!

વેણીભાઈ પુરોહિત વેણીભાઈ પુરોહિત
અટકળ બની ગઈ જિંદગી!
વેણીભાઈ પુરોહિત

તરફ એની મુરાદો, મુજ ઇરાદો તરફ...

બેઉ બોજા ખેંચતાં કાવડ બની ગઈ જિંદગી!

હમસફરની આશમાં ખેડી સફર વેરાનમાં,

ફક્ત શ્વાસોચ્છ્વાસની અટકળ બની ગઈ જિંદગી!

સ્મિતનું બહાનું શોધતું મારું રુદન રઝળી પડ્યું,

હાસ્ય ને રુદનની ભૂતાવળ બની ગઈ જિંદગી!

વિશ્વમાં કો સાવકું સરનામું લઈ આવી ચડ્યો,

કાળની અબજો અજીઠી પળ બની ગઈ જિંદગી!

ફૂલ ને કાંટાની કુદરત છે, અરે તેથી તો -

ગુલછડીના ખ્યાલમાં બાવળ બની ગઈ જિંદગી!

દિલ ન'તું પણ વાંસનું જંગલ હતું, ઝંઝાનિલો!

આપ આવ્યાં? હાય! દાવાનળ બની ગઈ જિંદગી!

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 219)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4