atikrmi te gajhal - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અતિક્રમી તે ગઝલ

atikrmi te gajhal

અમૃત ઘાયલ અમૃત ઘાયલ
અતિક્રમી તે ગઝલ
અમૃત ઘાયલ

અણગમાને અતિક્રમી તે ગઝલ.

ને પ્રણયમાં પરિણમી તે ગઝલ.

લાજના ભાવથી નમી તે ગઝલ.

જે પ્રથમ દૃષ્ટિએ ગમી તે ગઝલ.

આંખમાં આંજી સ્નેહનો સુરમો,

રાતભર સોગઠે રમી તે ગઝલ.

શેરીએ શેરીમાં અજંપાની-

આંધળી ભીંત થઈ ભમી તે ગઝલ.

ચોતરફ મૌન મૌનની વચ્ચે,

એક તલસાટ કાયમી તે ગઝલ.

તેજ રૂપે કદી તિમિર રૂપે,

મેઘલી મીટથી ઝમી તે ગઝલ.

નિત સમય જેમ ઊગતી રહી,

અસ્તમાં પણ આથમી તે ગઝલ.

દૃષ્ટિ મળતાં પાંપણો મધ્યે,

ઊગે સંબંધ રેશમી તે ગઝલ.

જિન્દગીની કે જાંફિશાનીની,

હોય જે વાટ જોખમી તે ગઝલ.

તો છે ચીજ સર્વ મોસમની,

નિત્ય લાગે જે મોસમી તે ગઝલ.

એમની છે કસોટી ખરી,

દિલને લાગે જે લાજમી તે ગઝલ.

માલમીને તો પાર કરે:

માલમીની માલમી તે ગઝલ.

લીટી એકાદ નીરખી ‘ઘાયલ’,

હલબલી જાય આદમી તે ગઝલ.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી ગઝલો – અમૃત ઘાયલ (પૃષ્ઠ ક્રમાંક 60)
  • સંપાદક : નીતિન વડગામા
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2022