thai gayo - Ghazals | RekhtaGujarati

થઈ ગયો

thai gayo

સાહિલ સાહિલ
થઈ ગયો
સાહિલ

લાગણીની ટોચ પર પહોંચ્યા ને પરદો થઈ ગયો,

એક ગરવો સાથ પળમાં ઑર ગરવો થઈ ગયો.

વાતમાં નહિતર હતો ક્યાં કાંઈ પણ વક્કર છતાં,

આપને કીધા પછી હું સાવ હળવો થઈ ગયો.

છે બહુ અપરાધ સંગીત બોલવું અહીંયાં છતાં,

આપને જોયા અને મારાથી ટહુકો થઈ ગયો.

આંખથી સ્પર્શી જીવનના અશ્વ પર વહેતાં થયાં,

ને પછી પળવારમાં હું ખુદથી અળગો થઈ ગયો.

માનું છું ‘સાહિલ’ તણખલા જેવું છે અસ્તિત્વ પણ,

જ્યાં મળ્યાં બે-ત્રણ તણખલાં ત્યાં માળો થઈ ગયો.

સ્રોત

  • પુસ્તક : શબ્દસૃષ્ટિ - ડિસેમ્બર 2008 (પૃષ્ઠ ક્રમાંક 179)
  • સંપાદક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2008