dardna dariyaman Dubi jaun chhun - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

દર્દના દરિયામાં ડૂબી જાઉં છું

dardna dariyaman Dubi jaun chhun

બટુકરાય પંડ્યા બટુકરાય પંડ્યા
દર્દના દરિયામાં ડૂબી જાઉં છું
બટુકરાય પંડ્યા

દર્દના દરિયામાં ડૂબી જાઉં છું,

થઈને પરપોટો વિસર્જન થાઉં છું.

તર્જની છેડે છે દિલના તારને,

કોઈ ગવરાવે અને હું ગાઉં છું.

શોધતો રહું છું હું મુજ અસ્તિત્વને,

ગેબમાં ગોફણ બની વીંઝાઉં છું.

બંધ મુઠ્ઠીનો ભરમ ખૂલી ગયો,

શબ્દની સાંકળ વડે બંધાઉં છું.

આપણો સંબંધ લીલું પાન છે,

વૃક્ષ માફક ચોતરફ ફેલાઉં છું.

રાહબર થઈ તું દોરે છે છતાં,

કમનસીબી છે કે ઠોકર ખાઉં છું.

જે વહી ગઈ ક્ષણોને શું કહું!

અંજુમનમાં એકલો પસ્તાઉં છું.

ઘુંટ કો' પાઈ ગયું છે રીતે,

હું મારામાં છલકતો જાઉં છું.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતની પ્રતિનિધિ ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 80)
  • સંપાદક : ચિનુ મોદી
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1996