adaabiid kaink andarnaa aranyo bahaar aavyaan chhe - Ghazals | RekhtaGujarati

અડાબીડ કૈંક અંદરનાં અરણ્યો બહાર આવ્યાં છે

adaabiid kaink andarnaa aranyo bahaar aavyaan chhe

બાબુલાલ ચાવડા 'આતુર' બાબુલાલ ચાવડા 'આતુર'
અડાબીડ કૈંક અંદરનાં અરણ્યો બહાર આવ્યાં છે
બાબુલાલ ચાવડા 'આતુર'

અડાબીડ કૈંક અંદરનાં અરણ્યો બહાર આવ્યાં છે,

પશુતા પાંગર્યાનાં સૌ રહસ્યો બહાર આવ્યાં છે.

ઉઘાડી પાત્ર સોનાનું નિહાળ્યું જેટલી વેળા,

ચમકતા સત્યના વેશે અસત્યો બહાર આવ્યાં છે.

હકીકત બહાર ના આવી ઘટેલી એક ઘટનાની,

બન્યા નહોતા બનાવો એનાં તથ્યો બહાર આવ્યાં છે.

સભામાં તો ગયા પણ સભ્યતાને લઈ ગયા નહોતા,

અહીં મેદાનમાં એવા સભ્યો બહાર આવ્યા છે.

ગઝલ કંઈ એકલી આવી નથી બહાર અંદરથી!

અમારી આંખથી પણ અન્ય દ્રવ્યો બહાર આવ્યાં છે.

સ્રોત

  • પુસ્તક : નવનીત સમર્પણ : સપ્ટેમ્બર ૨૦૨૪ (પૃષ્ઠ ક્રમાંક 20)
  • સંપાદક : દીપક દોશી
  • પ્રકાશક : ભારતીય વિદ્યા ભવન