sadi nigahman - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સાદી નિગાહમાં

sadi nigahman

મકરંદ દવે મકરંદ દવે
સાદી નિગાહમાં
મકરંદ દવે

આંખ ઉઘાડી જો જરા ભેદ નથી, ભરમ નથી,

પડ્યો છે તારી પ્યાસનો, સાકીનો કૈં સિતમ નથી.

આગે વધ્યો છો કાફલો, વાંસે રહ્યાનો ગમ નથી,

એકલે પંડે જે કરી વાત હજાર કમ નથી.

મોતને હાથ દાવ લઈ જિંદગી કાં ઢળી પડી?

મોતની બાજી ખેલતાં ખેલ બધો ખતમ નથી.

કાજી, ઉંઘાડ ચોપડો! દેખ, જરા તું ઇશ્ક પર,

કોઈ તારી કલમ નથી, કોઈ તારો હુકમ નથી.

આવી જા મયકદા મહીં ફિરકાઓ સૌ ફગાવીને,

જામથી જ્યાદાતર અહીં કોઈ રૂડો ધરમ નથી.

સાદી નિગાહમાં ગયું એનું ગુમાન કાં ગળી?

નહીં તો ગરીબ દિલ કને એવો તો કંઈ ઇલમ નથી.

અમને થયું કે ચાલ, જીવ! એય તે નાણી નાખીએ,

નહિ તે કૃપાને બારણે બેસે કદમ નથી.

હોઠે અડાડ્યો જામ ત્યાં બહેકી ગયા જે બેખબર,

દેતા પયામ પીર થઈ પ્યાલો જેને હજમ નથી.

કાચે ઘડે કૂદી પડી ઝંખના ઘોર સિંધુમાં,

કાંઠે ઊભા કહી રહ્યા, લાજ નથી, શરમ નથી.

રોજ પૂછો છો કામનું? રોજ પૂછો કમાણીનું?

એવી નકામી મુજ કને માહિતી મારા સમ નથી.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 169)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4