tar chhoDi de - Ghazals | RekhtaGujarati

તાર છોડી દે

tar chhoDi de

નીતિન વડગામા નીતિન વડગામા
તાર છોડી દે
નીતિન વડગામા

એક, બે, ત્રણ, ચાર છોડી દે.

નર્યો અંધકાર છોડી દે.

તો નમણી નિરાંત નિરખાશે,

તું તને બારોબાર છોડી દે.

આપમેળે આવશે સામે,

અહર્નિશ એના વિચાર છોડી દે.

હાથમાં લે જરા હલેસું પણ,

માત્ર મનનો મદાર છોડી દે.

માર્ગ સુખનો તનેય સાંપડશે,

એક અમથો નકાર છોડી દે.

છોડને છેડછાડ ખોટી તું,

સ્હેજ છેડીને તાર છોડી દે.

પ્રાણ પ્રગટી જશે સ્વયં એમાં,

શબ્દની સારવાર છોડી દે.

સ્રોત

  • પુસ્તક : આરપાર (પૃષ્ઠ ક્રમાંક 36)
  • સર્જક : નીતિન વડગામા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2011