e rite tamaran swapnoman andhkar manohar lage chhe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એ રીતે તમારાં સ્વપ્નોમાં અંધકાર મનોહર લાગે છે

e rite tamaran swapnoman andhkar manohar lage chhe

સૈફ પાલનપુરી સૈફ પાલનપુરી
એ રીતે તમારાં સ્વપ્નોમાં અંધકાર મનોહર લાગે છે
સૈફ પાલનપુરી

રીતે તમારાં સ્વપ્નોમાં અંધકાર મનોહર લાગે છે;

જે રીતે કો સુંદર નયનોમાં કાજલ અતિ સુંદર લાગે છે.

નયનોને જે સુંદર લાગે છે, દિલને જે મનોહર લાગે છે;

કિસ્મતના ગજાથી વસ્તુ, હંમેશ મને પર લાગે છે.

સંજોગ હિમાલય જેવા છે બરબાદ મુકદ્દર લાગે છે,

અંતરને છતાં તુજ અંતરથી બહુ થોડું અંતર લાગે છે.

સૌ કે’ છે હજી હું ભટકું છું, દિલ કે’ છે કે મંજિલ આવી ગઈ,

જે દ્વાર ઉપર જઈ પહોંચું છું મારું મને ઘર લાગે છે.

વિખરાઈ હશે કોઈની લટો એથી તો ખુશ્બૂ છે ચોગમ,

બાગ-બગીચા મસ્ત પવન ચિઠ્ઠીના ચાકર લાગે છે.

ફૂલને નાજુક કહેનારા, કંઈ મારાં દુઃખોની રામ-ખબર,

હું સ્મિત હવે ફરકાવું છું—તો ચોટ હૃદય પર લાગે છે.

બદનામ છે પથ્થર દુનિયામાં, મેં જાણ્યું તમારા વર્તનથી,

ક્યારેક જીવનના મારગ પર ફૂલોનીય ઠોકર લાગે છે.

જો મોત મળે ભરયૌવનમાં, તો શોક કરજો ‘સૈફ’ ઉપર,

રંગીન નશીલી મોસમમાં હર ચીજ સમયસર લાગે છે.

સ્રોત

  • પુસ્તક : ખુશબૂમાં ખીલેલાં ફૂલ હતાં (પૃષ્ઠ ક્રમાંક 107)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 2004