amari mast phakiri - Ghazals | RekhtaGujarati

અમારી મસ્ત ફકીરી

amari mast phakiri

કલાપી કલાપી
અમારી મસ્ત ફકીરી
કલાપી

ફકીરીમાં સખિરી મેં, ભરી આજે મજા કેવી?

અમીરીને ફકીરીમાં, મળી આજે રજા કેવી? ૧

ફિકર ઘૂંટી કરી ફાકી, તમન્ના શી હવે બાકી?

શરીરે ત્યાગની કફની, ચડાવી ત્યાં કજા કેવી? ર

ખલકને જાણતા ફાની, પછી પરવાહ તે શાની?

નથી દરકાર દુનિયાની, મળે તે ક્યાં મજા એવી? ૩

પીવો પ્યાલા ભરી પાવો, કરીને જ્ઞાનનો કાવો,

અમીરીને ધરી દાવો, ફકીરીમાં મજા લેવી. ૪

કદી મખમલ તણી શૈય્યા, કદી ખુલ્લી ભૂમિ મૈયા,

કદી વહેતી મૂકી નૈયા, તરંગોની મજા લેવી. પ

કદી ખાવા મળે લાડુ, કદી ખાવા પડે ઝાડુ,

રગશિયું દેહનું ગાડું, ઉપર ભગવી ધજા કેવી? ૬

કદી છે શાલ દુશાલા, કદી લંગોટ ને માલા,

કદી હો ઝેરના પ્યાલા, મળે તેવી મજા લેવી. ૭

ધર્યા છે કેશરી જામા, કર્યાં કાષાયનાં કપડાં,

તજી સંસારના ભામા, કજામાંથી મજા લેવી. ૮

ભર્યા છે જ્ઞાનધન ભાથાં, ઝુકાવે શાહ પણ માથાં,

જગતનો ગમ સદા ખાતાં, ગમીને જ્યાં રજા દેવી. ૯

ખુશી આફત મૂકી સાથે, ધખાવી હોળીઓ હાથે,

બીજાના દુઃખની માથે, ખુશીથી જ્યાં સજા લેવી. ૧૦

જગત જીત્યું અલખ નામે, અચલ એ રાજને પામે,

નમાવી સર કદર સામે, ઊભાં ત્યાં દેવ ને દેવી. ૧૧

અમીરીની મજા મીઠી, ફકીરીમાં અમે દીઠી,

ન કરવી ચાકરી ચીઠી સ્પૃહાને જ્યાં રજા દેવી. ૧ર

થયાં જ્યાં એક ઈશ્વરથી, પછી શી ગાંઠ ઘરઘરથી,

જગાવ્યે પ્રેમ પરવરથી, શલાકા સ્નેહની સેવી. ૧૩

સ્રોત

  • પુસ્તક : ગુજરાતની ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 61)
  • સંપાદક : દી.બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી
  • પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
  • વર્ષ : 1942