amara deshni mati - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અમારા દેશની માટી

amara deshni mati

દીપક બારડોલીકર દીપક બારડોલીકર
અમારા દેશની માટી
દીપક બારડોલીકર

અદબપૂર્વક ઉપાડું છું અમારા દેશની માટી

ને નખી શિરમાં, નાચું છું અમારા દેશની માટી

અજબ ગરવાઈની તાસીર રોમેરોમ વ્યાપે છે

અગર ચપટીક ચાખું છું અમારા દેશની માટી

અમારા હોસલાનો મર્મ, આવો, તમને સમજાવું

હું મનમાદળિયે રાખું છું અમારા દેશની માટી

વતનના ખાબનો મેળો રહે હંમેશા આંખોમાં

જુઓ, હંમેશ આંજું છું અમારા દેશની માટી

જરા સૂંઘી જુઓ શબ્દોને, મળસે મ્હેક માટીની

કે અંતરમાં વસાવું છું મારા દેશની માટી

સમંદર પાર ક્યાંના ક્યાં વિલય પામી જશું ‘દીપક’

સુલભ નહિ થાય, જાણું છું, અમારા દેશની માટી

સ્રોત

  • પુસ્તક : કુલ્લિયાતે દીપક (પૃષ્ઠ ક્રમાંક 83)
  • સર્જક : દીપક બારડોલીકર
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2007