amar hamnan ja suto chhe - Ghazals | RekhtaGujarati

અમર હમણાં જ સૂતો છે

amar hamnan ja suto chhe

અમર પાલનપુરી અમર પાલનપુરી
અમર હમણાં જ સૂતો છે
અમર પાલનપુરી

પવન, ફરકે તો રીતે ફરકજે - પાન ના ખખડે!

કોઈને સ્વપ્નમાં માગી અમર હમણાં સૂતો છે.

દવા તો શું હવે સંજીવની પણ કામ નહિ આપે,

જીવનના ભેદને પામી અમર હમણાં સૂતો છે.

મિલન-દૃશ્યો હવે તડપી રહ્યાં છે કરવટો લઈને,

વિરહના રંગમાં રાચી અમર હમણાં સૂતો છે.

ગગન પ્રગટાવ તુજ દીવડા, નહીં લાગે હવે ઝાંખા,

નયનના દીપને ઠારી અમર હમણાં સૂતો છે.

ગગનનાં આંસુઓ માયાં નહીં ધરતીના પાલવમાં,

પ્રભાતે જ્યાં ખબર આવી, અમર હમણાં સૂતો છે.

અમર જીવન છે એવું કે જીવન ઓવારણાં લે છે,

મરણના માનને રાખી, અમર હમણાં સૂતો છે.

કહ્યું શત્રુએ મિત્રોને, કરો ઉત્સવની તૈયારી,

રહી ના જાય કંઈ ખામી, અમર હમણાં સૂતો છે.

ગયો હાથથી છટકી, હવે શું બાંધશે દુનિયા!

બધાંયે બંધનો ત્યાગી, અમર હમણાં સૂતો છે.

જાગે રીતે ઊંચકીને એને લઈ જજે, દુનિયા!

સમયની કૂચમાં થાકી, અમર હમણાં સૂતો છે.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 44)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4