alag am jindgithi - Ghazals | RekhtaGujarati

અલગ અમ જિંદગીથી

alag am jindgithi

દીપક બારડોલીકર દીપક બારડોલીકર
અલગ અમ જિંદગીથી
દીપક બારડોલીકર

અલગ અમ જિંદગીથી આપને ગણતા નથી હોતા!

નદીને અવગણે એવા કોઈ દરિયા નથી હોતા!

નથી હોતી વસંતોની છબીમાં લ્હાણ સૌરભની;

હકીકત જેટલા સધ્ધર કદી નક્શા નથી હોતા!

નવાઈ શું, વિચારો જો બધાના હોય ના સરખા!

તરંગો પણ બધી નદીઓ તણા સરખા નથી હોતા!

કોઈ એવું નથી જેના જીવનમાં હોય ના ખામી;

કોઈ એવા નથી રસ્તા કે જ્યાં ખાડા નથી હોતા!

સમજપૂર્વક બધીયે ચીજની અહીંયાં સમીક્ષા કર;

નિહાળે છે જે દુનિયામાં, બધાં સ્વપ્નાં નથી હોતા!

અસરથી હોય છે વાતાવરણની મુક્ત 'દીપક',

મહોબતનાં ગુલાબો લેશ કરમાતાં નથી હોતાં!

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 116)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4