aetlaa maate rudan maarun ghanun chhanun hatun - Ghazals | RekhtaGujarati

એટલા માટે રુદન મારું ઘણું છાનું હતું

aetlaa maate rudan maarun ghanun chhanun hatun

જલન માતરી જલન માતરી
એટલા માટે રુદન મારું ઘણું છાનું હતું
જલન માતરી

એટલા માટે રુદન મારું ઘણું છાનું હતું,

અશ્રુઓ સાધન તરસ મારી છીપાવવાનું હતું.

એના હાથે માનવી રહેંસાઈ ટળવળતો રહ્યો,

જગત એવું અધૂરું એક કતલખાનું હતું.

મારે વહેવાના સમય પર હું તો છલકાઈ ગયો,

લક્ષ સાગરમાં ભળી ઊંડાણ જોવાનું હતું.

હું નીરખતો હતો વાત હું ભૂલી ગયો,

મારા મનથી પાપ મારાં કોણ જોવાનું હતું?

એટલે તો મેં નજર પણ ના કરી દૃશ્ય પર,

કે ગગનથી તારલા વિણ કોણ ખરવાનું હતું!

અર્થ એનો નથી હું પણ 'જલન' તરસ્યા કરું,

ઝાંઝવાંઓને તો જીવનભર તરસવાનું હતું.

કારણસર રડ્યો ના હું સ્વજનના મોત પર

'જલન', જાણે કે મૃત્યુ મારું પોતાનું હતું.

સ્રોત

  • પુસ્તક : તપિશ (પૃષ્ઠ ક્રમાંક 70)
  • સર્જક : જલન માતરી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2012