Ae Ek Majani Sanj Hati - Ghazals | RekhtaGujarati

એ એક મજાની સાંજ હતી

Ae Ek Majani Sanj Hati

રમેશ પટેલ 'ક્ષ' રમેશ પટેલ 'ક્ષ'
એ એક મજાની સાંજ હતી
રમેશ પટેલ 'ક્ષ'

એક મજાની સાંજ હતી ને સૂરજ ત્યારે ઢળતો'તો!

ને મારી સાથે જોઈ તને અંદરખાને બળતો'તો!

જીવનની સંતાકૂકડીનો ખેલ તને છે યાદ કહે?

તુજ આંખમહીં ખોવાયેલો ને તોય તને ક્યાં મળતો'તો?

ને પ્રીતકથાની પૂર્વભૂમિકા અદ્ભુત કેવી લાગે છે!

તું ના ના કરતી રોજ છતાં હું ધીરે ધીરે ઢળતો'તો!

તું મૌન હતી ને વૃક્ષ, ૫વન, ઝરણાએ સરવા કાન કર્યા,

તુજ આંખોના સંવાદોને હું આંખ થકી સાંભળતો'તો!

ને ભરનિંદરમાં એક મજાનું સપનું એવું જોયું કે :

મુજ આંખો સામે ખળભળતો સાગર નદીઓમાં ભળતો'તો!

સ્રોત

  • પુસ્તક : કવિતા : ઑગસ્ટ 1985 (પૃષ્ઠ ક્રમાંક 4)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ