મોત થઈ ગ્યું છે જંગલમાં એકાંતનું – કોઈ રોતું નથી
mot tahii gyun chhe junglemaan aekaantnun - koii rotun nathii

મોત થઈ ગ્યું છે જંગલમાં એકાંતનું – કોઈ રોતું નથી
mot tahii gyun chhe junglemaan aekaantnun - koii rotun nathii
સૈફ પાલનપુરી
Saif Palanpuri

મોત થઈ ગ્યું છે જંગલમાં એકાંતનું – કોઈ રોતું નથી
મોર નાચે છે વસતીમાં આવી હવે – કોઈ જોતું નથી
ઝાડ પર જ્યારથી એક પંછીએ માળો વિખેરી દીધો
છાંયડો રોજ આવીને બેસે છે પણ – કોઈ હોતું નથી
શ્રાપ એવો મળ્યો ગામને કે હવે આંખ થઈ ગઈ બધી વાંઝણી
સારા સારા પ્રસંગો બને છે છતાં – કોઈ રોતું નથી
આજ આવ્યો – તો ઘર પાસ ખુલ્લી કબર એક જોવા મળી
બોલી : ઊભો છે કેમ બ્હાર આવી જા ‘સૈફ’ – કોઈ જોતું નથી

સ્રોત
- પુસ્તક : કવિતા : ડિસેમ્બર, ૧૯૭૯ (પૃષ્ઠ ક્રમાંક 42)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ