adamthi shekhadam sudhi - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આદમથી શેખાદમ સુધી

adamthi shekhadam sudhi

શેખાદમ આબુવાલા શેખાદમ આબુવાલા
આદમથી શેખાદમ સુધી
શેખાદમ આબુવાલા

માનવી ને જગત આદમથી શેખાદમ સુધી!

દોરંગી લડત આદમથી શેખાદમ સુધી!

ધરતી, સાગર, આકાશી કલા!

રંગીલી રમત આદમથી શેખાદમ સુધી!

રૂપનું રંગીન ગૌરવ, પ્રેમનો લાચાર હાલ—

છે લાગી શરત! આદમથી શેખાદમ સુધી!

મોતને શરણે થવામાં સાચવે છે રમ્યતા,

જિંદગીની આવડત આદમથી શેખાદમ સુધી!

ફૂલમાં ડંખો કદી, ક્યારેક કાંટામાં સુવાસ!

લાગણીની રમત આદમથી શેખાદમ સુધી!

બુદ્ધિના દીપકની સામે ઘોર અંધારાં બધે,

એક સત, બાકી અસત આદમથી શેખાદમ સુધી!

બુદ્ધિ થાકી જાય તો લેવો સહારો પ્રેમનો!

સારી છે બૂરી લત આદમથી શેખાદમ સુધી!

મોતનું બંધન છતાં કરતો રહ્યો છે માનવી,

જિંદગીની માવજત આદમથી શેખાદમ સુધી!

જિંદગી પર રૂપ, યૌવન, પ્રેમ મસ્તી ને કલા,

સૌ રહ્યાં છે એકમત આદમથી શેખાદમ સુધી!

કોઈના ખોળે ઢળી કે પોઢી ઠંડક પામવા,

માનવી છે યત્ન-રત આદમથી શેખાદમ સુધી!

રંગ બદલાતા સમયના જોઈ દિલ બોલી ઊઠયું :

‘શું ખરું ને શું ગલત આદમથી શેખાદમ સુધી!

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 235)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4