adamni ukti - Ghazals | RekhtaGujarati

આદમની ઉક્તિ

adamni ukti

પથિક પરમાર પથિક પરમાર
આદમની ઉક્તિ
પથિક પરમાર

ઓમનું અસ્તિત્વ ન્હોતું, પણ હતો હું

શબ્દનું અસ્તિત્વ ન્હોતું, પણ હતો હું

હું સૌનો તાત છું હે વત્સ મારા

વર્ણનું અસ્તિત્વ ન્હોતું, પણ હતો હું

ધર્મ, ભાષા, પ્રાંત, બોલી–આ બધું શું?

વર્ગનું અસ્તિત્વ ન્હોતું, પણ હતો હું

વંશજો મારા! હતી શ્રદ્ધા તમો પર

નર્કનું અસ્તિત્વ ન્હોતું, પણ હતો હું

હા, હતું આખું જગત નિભ્રાંત, નિર્ભય

વસ્તીનું અસ્તિત્વ ન્હોતું, પણ હતો હું

પુત્ર! ઈશ્વર તો નરી સંકલ્પના છે,

તર્કનું અસ્તિત્વ ન્હોતું, પણ હતો હું

હે મહંતો! હું પ્રથમ માનવ જગતનો,

બોધનું અસ્તિત્વ ન્હોતું, પણ હતો હું

સ્રોત

  • પુસ્તક : બહિષ્કૃત (પૃષ્ઠ ક્રમાંક 4)
  • સર્જક : પથિક પરમાર
  • પ્રકાશક : ગુજરાત દલિત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2003