e wat hun mogham rakhun chhun - Ghazals | RekhtaGujarati

એ વાત હું મોઘમ રાખું છું

e wat hun mogham rakhun chhun

શૂન્ય પાલનપુરી શૂન્ય પાલનપુરી
એ વાત હું મોઘમ રાખું છું
શૂન્ય પાલનપુરી

આવે છે અગર અશ્રુ આંખે,

પી જાઉં છું, સંયમ રાખું છું;

જે વાત છે મારા અંતરની,

વાત હું મોઘમ રાખું છું.

એક તું કે નથી પરવા જેને,

એક હું કે સદા ગમ રાખું છું;

પથ્થરદિલ! લે તું કહે,

દિલ કેવું મુલાયમ રાખું છું!

હું પ્રેમનાં બંધન છોડું છું,

પણ પ્રેમ બંધન છોડે છે;

દુનિયાથી સદંતર દૂર છતાં,

દુનિયાની ગતાગમ રાખુ છુ.

સૂર્ય-કમળ, ફૂલ-ભ્રમર,

ચાંદ–ચકોરો શું જાણે?

છે પ્રેમ કરુણામય મારો,

હું પ્રેમ અનુપમ રાખું છું.

ચિંતાઓ, વ્યથા, અશ્રુઓ,

નિશ્વાસ, નિરાશા, લાચારી;

એક જીવને માટે જીવનમાં

મૃત્યુના ઘણા યમ રાખું છું.

એક વાર નમાવી ચરણોમાં

ના શીશ ઉઠાવી જાણું છું,

ગર્વ નથી પણ શ્રદ્ધામાં

મસ્તક હું અણુનમ રાખું છું.

ફૂલમાં કંટક જોનારા!

ચંદ્રમાં ડાઘા કહેનારા!

દોષ છે તારી દૃષ્ટિનો,

દોષની હું ગમ રાખું છું.

ઠારીને ઠરું દીપ નથી,

બાળીને હું બળું જયોત નથી;

એક પુષ્પ છું જીવન-ઉપવનમાં,

હું રંગ ને ફોરમ રાખું છું.

વાવ્યું જે ગઝલનું ઉપવન મે

એક શૂન્ય હૃદયની ભૂમિમાં;

સીંચીને ઊર્મિ-રક્ત વડે

બાગ લીલોછમ રાખું છું.

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં – સંપુટ 4 – ‘શૂન્ય’ પાલનપુરીનાં ચૂંટેલાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 23)
  • સંપાદક : રાજેન્દ્ર શાહ
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ
  • વર્ષ : 1982