aapne maliye - Ghazals | RekhtaGujarati

આપણે મળીએ

aapne maliye

ગની દહીંવાલા ગની દહીંવાલા
આપણે મળીએ
ગની દહીંવાલા

બળેલ જીવને બાળીને આપણે મળીએ;

જતી રહી હો દીવાળી, ને આપણે મળીએ.

ગગન સમું તો હવે ક્યાં ઉભયને કાજ રહ્યું?

બીજે બીજ નિહાળીને આપણે મળીએ.

બધાં આપણાં દર્પણ હવે સલામત ક્યાં?

કે એકમેકને ભાળીને આપણે મળીએ!

સુકામણા હવે સંબંધ જો સહી શકે,

તો પાંપણોને પલાળીને આપણે મળીએ.

સમયનુ વસ્ત્ર ચઢયું ચાળણીને ચાળે છે,

વધેલ શ્વાસને ગાળીને આપણે મળીએ.

વિધિએ સ્વપ્ન સમો પણ વિકલ્પ રાખ્યો છે,

મિલનની ટેવને ટાળીને આપણે મળીએ.

ખમો ખમો હે વિરહરાત કેરા ભણકારા!

વળાંકે સાંજને વાળીને આપણે મળીએ.

પાનખરનું ‘ગની', કોઈ તો હશે રક્ષક,

નવા ક્ષેત્રના માળીને આપણે મળીએ.

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં સંપુટ – 3 – ગની દહીંવાળાનાં ચૂંટેલા કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 91)
  • સંપાદક : જયંત પાઠક
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ
  • વર્ષ : 1981