Aapne - Ghazals | RekhtaGujarati

એક દીવો, એક ફાનસ આપણે;

જ્યોતના સૌભાગ્ય વારસ આપણે!

રાફડાંનું મૌન ક્યાં ફુત્સારશે?

જંગલોના સ્વપ્ન માણસ આપણે.

બોરનો ઠળિયો બન્યો છે બ્રહ્મ ખુદ;

વાટ જોતા રૂપ ને રસ આપણે.

કુંડમાં પ્રગટેલ ગંગા ક્યાં ગઈ?

તપ અવિચળ આદર્યા બસ આપણે.

ક્યાંક વળગણમાં રહી વલખા ભર્યાં;

ધૂંધળા ધર્મોનું ધુમ્મસ આપણે.

એજ અંગૂઠો ફરી ઊગી ગયો!

તીર તાક્યાં છે તસોતસ આપણે.

વસ્ત્ર વણવાના હવે વિકલ્પના;

વિશ્વની ધોરી નસેનસ આપણે.

‘દાન’ સઘળો સાર પર્યાયમાં;

વાયુ-પાણી-આગ, બાકસ આપણે.

સ્રોત

  • પુસ્તક : જઠરાગ્નિ (પૃષ્ઠ ક્રમાંક 34)
  • સર્જક : દાન વાઘેલા
  • પ્રકાશક : ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન, અમદાવાદ
  • વર્ષ : 2011