patr ghazal - Ghazals | RekhtaGujarati

કલમ ક્યાં છે? છે મારા શ્વાસની પીંછી પ્રિયે!

ચાંદનીમાં બોળીને તારી છબી ચીતરી પ્રિયે!

માત્ર પરબીડિયામાં બાંધી મેં હવા ભીની પ્રિયે!

મારાં આંસુની તને મળશે શમાદાની પ્રિયે!

પત્ર મૂકી દઈશ હું પંખીની રાતી ચાંચમાં;

તુજને મળશે ઘર, ઝરૂખા, સાંજ ને બારી પ્રિયે!

હાથમાં કાગળ લઈ તું વાંચશે સંબોધનો;

સ્પર્શશે લોહીનીતરતી તુજને મુજ છાતી પ્રિયે!

શાહી સૂકવવા ચણોઠી જેવા મુજ શ્વાસો ફૂંક્યા;

શક્ય છે તુજ હાથમાં ખરખર ખરે રેતી પ્રિયે!

છે ઘણા ચહેરાયલા અક્ષરને સાથે છેકછાક;

મારી ચિંતામાં રખે તું આવતી દોડી પ્રિયે!

બેઉ કાંઠે છલબલે છે ભવોભવની નદી;

એમાં વહેતી મેં મૂકી છે પત્રની હોડી પ્રિયે!

સ્રોત

  • પુસ્તક : ગઝલ 81-82 (પૃષ્ઠ ક્રમાંક 21)
  • સંપાદક : હર્ષદ ચંદારાણા
  • પ્રકાશક : રૂપાલી પબ્લિકેશન
  • વર્ષ : 1983