chikkar chhun - Ghazals | RekhtaGujarati

ચિક્કાર છું

chikkar chhun

મૌન બલોલી મૌન બલોલી
ચિક્કાર છું
મૌન બલોલી

પ્રત્યેક જણની જેમ હું ચિક્કાર છું,

છું માનવી ને માનવીની ....હાર છું.

ભીંતના ટેકે જીવે છે બાપડું,

સરિયામમાં કહેતું ફરે છે દ્વાર છું.

જેનો ઝરુખો શહેરમાં ચર્ચાય છે,

એનો, તળે ઢંકાયેલો આધાર છું.

પણ આંગળીની ખડકીઓ ખોલી જૂઓ,

ગમતા લયોનો હું એક વિસ્તાર છું.

સૂરજ-કથાથી કાન ફૂંકાતા રહ્યાં,

ને ત્યારથી તે આજ લગ અંધાર છું.

છું ખૂશ્બુની હત્યાનો પૂરાવો છતાં,

ચર્ચાઉં છું કે ડાળખી પર ભાર છું.

પણ કૈંક અવતરતું હશે મારા વિષે,

હું પણ નગરમાં ફરતું કારાગાર છું.

ખામોશ પામ્યો અન્યથી બસ એટલું,

કે હું મારો એકલો અવતાર છું.