bhare thayela shwas hawaman uchhaliye - Ghazals | RekhtaGujarati

ભારે થયેલા શ્વાસ હવામાં ઉછાળીએ

bhare thayela shwas hawaman uchhaliye

હેમંત ધોરડા હેમંત ધોરડા
ભારે થયેલા શ્વાસ હવામાં ઉછાળીએ
હેમંત ધોરડા

ભારે થયેલા શ્વાસ હવામાં ઉછાળીએ

આંખોમાં ભરીએ આભ તણખલાંઓ ચાવીએ.

ખળખળ વહી જતી પળો કાલે પણ મળે

થઈએ ભીના ફરીથી ફરીથી સૂકાઈયે.

ઊગતા સૂરજનો રંગ છે અત્યારે હાથમાં

મુઠ્ઠી ભરી ભરી બધે તડકો ઉડાવીએ.

વાતાવરણમાં ઘુમ્મસી ભીનાશ ઓસની

ટીપાંઓ એકઠાં કરી દૃશ્યો તરાવીએ.

આંગળીઓ એકમેકની ગણીએ ધીમે ધીમે

અંતર ક્ષિતિજ સુધી હજી પગલાંથી માપીએ.

સ્રોત

  • પુસ્તક : અણસાર (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સર્જક : હેમંત ધોરડા
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1988