આજ તો વર્ષાય અવસર થઈ ગઈ
aaj to varshaay avsar thaii gaii
રાકેશ હાંસલિયા
Rakesh Hansaliya
રાકેશ હાંસલિયા
Rakesh Hansaliya
આજ તો વર્ષાય અવસર થઈ ગઈ,
સીમ આખી આયનાઘર થઈ ગઈ!
વાદળો એવી રીતે વરસી પડ્યાં,
ગારની ભીંતોય ખેતર થઈ ગઈ!
આંગણામાં એમનાં પગલાં પડ્યાં,
ઝૂંપડી બે વેંત અધર થઈ ગઈ!
મેં તો એમ જ ચીંધી એના ઘર તરફ,
આંગળી મારી તવંગર થઈ ગઈ!
મેલીઘેલી એક માતાએ જરા,
ફૂલને તેડ્યું તો સુંદર થઈ ગઈ!
દીકરો મોટો થયાની છે ખુશી,
ખેદ છે કે ટૂંકી ચાદર થઈ ગઈ!
નીકળ્યો 'રાકેશ' અહીંથી હાઈવે,
કેટલી કેડીઓ પડતર થઈ ગઈ.
સ્રોત
- પુસ્તક : પદ્ય : ઑક્ટોબર-ડિસેમ્બર ૨૦૧૯, અંક-૪ (પૃષ્ઠ ક્રમાંક 15)
- સંપાદક : રવીન્દ્ર પારેખ, ધ્વનિલ પારેખ
