aagvi gazal - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આગવી ગઝલ

aagvi gazal

શાદ જામનગરી શાદ જામનગરી
આગવી ગઝલ
શાદ જામનગરી

રોકાઈ જા હે મિત્ર! હું સર્જું નવી ગઝલ,

બિરદાવે જેને લોક, કહી અવનવી ગઝલ.

સીંચી હૃદયનું રક્ત ને ચિંતન મનન થકી,

તારી ખુશીને કાજ રચું આગવી ગઝલ.

એવો ચિતાર તારો હું કંડારવા મથું,

જેથી ભરમ ખુલે ને કહે માનવી ગઝલ.

બન્ને જહાંના ભેદ છુપાયાં છે નૈનમાં,

તુજ પાંપણોને એટલે મેં વર્ણવી ગઝલ.

દરકાર તેને અન્યની રહેતી નથી પછી,

તારા પ્રણયની જેને હો આલાપવી ગઝલ.

તુજથી પ્રેરણા લઈ મુજ ભાવના સભર,

છે તુજ હજુરમા હવે અર્પવી ગઝલ.

બંધ આંખડીમાં ‘શાદ’ કર્યાં કેદ તેમને,

આસાન એમ ક્યાં હતી આલેખવી ગઝલ.

સ્રોત

  • પુસ્તક : રેશમી પાલવ (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સર્જક : શાદ જામનગરી
  • પ્રકાશક : આરાધના પ્રકાશન
  • વર્ષ : 1972