Aagman Samhita - Ghazals | RekhtaGujarati

આગમન સંહિતા

Aagman Samhita

હેમેન શાહ હેમેન શાહ
આગમન સંહિતા
હેમેન શાહ

થાક લાગે છે સફરનો, જેમ ઘર આવ્યા પછી,

એમ હું થાકી જઈશ તારે નગર આવ્યા પછી.

રાતના જાગી જશે દુઃસ્વપ્નથી તું હાંફળી,

ને ખખડશે બારણું પ્રત્યેક લહર આવ્યા પછી.

દોડશે બોલાવવા તું ઝટ, સહેલીને બધી,

ટચુકડો ઉત્સવ થશે, મારી ખબર આવ્યા પછી.

હું મનાવી નહિ શકું પરદેશની વાતો કરી,

વેઠવી પડશે જુદાઈની અસર, આવ્યા પછી.

એક સૂર્યોદય થતો જોશું ઉભય સાન્નિધ્યમાં,

ગોપવેલા આભને ફૂટશે ટશર, આવ્યા પછી.

સ્રોત

  • પુસ્તક : કવિતા - જૂન, 1981 (પૃષ્ઠ ક્રમાંક 2)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ