moDun thayun - Ghazals | RekhtaGujarati

તમે આવ્યાં ઘણું સારું થયું,

અહીંયાં સ્હેજ અજવાળું થયું.

કદી માન્યું હતું મારું કહ્યું?

પછી શાને કહે આવું થયું!

નથી કૈં કામધંધો આવડ્યો,

છતાં પણ એક ઘર મારું થયું.

નથી મારે ખુલાસા આપવા,

ભલેને ખૂન ઇચ્છાનું થયું.

વચન, વટ, વેર પૂર્યાં મ્યાનમાં,

પછી જે કંઈ વિચારાયું, થયું.

થવાનું હોય છે તે થાય છે,

અરે સાહેબ, બ્હાનું થયું.

બધી આળસ મને ચોંટી પડી,

હજીયે ‘શ્વેત’ ક્યાં મોડું થયું!

સ્રોત

  • પુસ્તક : અધખૂલેલું બારણું (પૃષ્ઠ ક્રમાંક 48)
  • સર્જક : મનીશ પાઠક ‘શ્વેત’
  • પ્રકાશક : કવિલોક ટ્રસ્ટ
  • વર્ષ : 2018