aa wicharo kyan mane lai jai rahya chhe palkhiman e ja mare jowun chhe - Ghazals | RekhtaGujarati

આ વિચારો ક્યાં મને લઈ જઈ રહ્યા છે પાલખીમાં એ જ મારે જોવું છે

aa wicharo kyan mane lai jai rahya chhe palkhiman e ja mare jowun chhe

અનિલ ચાવડા અનિલ ચાવડા
આ વિચારો ક્યાં મને લઈ જઈ રહ્યા છે પાલખીમાં એ જ મારે જોવું છે
અનિલ ચાવડા

આ વિચારો ક્યાં મને લઈ જઈ રહ્યા છે પાલખીમાં એ જ મારે જોવું છે;

કોણ છે મારા નયનમાં, શ્વાસમાં ને ચામડીમાં એ જ મારે જોવું છે.

કોઈ પંખીનું મજાનું ગીત, પીંછું, પાંખનો ફફડાટ અથવા કાંઈ પણ;

વૃક્ષમાં છે કે નહીં, છે તો પછી કઈ ડાળખીમાં એ જ મારે જોવું છે.

આવ મારાં આંસુની ઓ તીવ્રતા! તું આવ તારી રાહમાં છું ક્યારનો,

કેટલું વ્હેરી શકે છે તું મને આ શારડીમાં એ જ મારે જોવું છે.

હું કશું બોલી શકું નૈં, સાંભળી પણ ના શકું, સ્હેજે વિચારી ના શકું,

કોણ આ રીતે મને બાંધી ગયું છે લાગણીમાં એ જ મારે જોવું છે.

કોઈ બાળક જેમ પાછો જીદ લઈ બેઠો સમય, એક જ રટણ બોલ્યા કરે,

‘કૃષ્ણ જમના સોંસરા જે નીકળ્યા'તા છાબડીમાં એ જ મારે જોવું છે.'

સ્રોત

  • પુસ્તક : સવાર લઈને (પૃષ્ઠ ક્રમાંક 60)
  • સર્જક : અનિલ ચાવડા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2012