jhaD ane khiskoli ane jhaD - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઝાડ અને ખિસકોલી અને ઝાડ

jhaD ane khiskoli ane jhaD

રમેશ પારેખ રમેશ પારેખ
ઝાડ અને ખિસકોલી અને ઝાડ
રમેશ પારેખ

પાણી જેવી પાતળી ખિસકોલી રે ખિસકોલી રમે

ઝરમર ઝરમર ઝબકે એની બોલી રે ખિસકોલી રમે

ડાળી વચ્ચે ઊભું અવાચક ઝાડવું રે ખિસકોલી રમે

ખુલ્લંખુલ્લા થતું ક્યાં સંતાડવું રે ખિસકોલી રમે

ખિસકોલીએ ખોબોક પાડ્યો પડછાયો ખિસકોલી રમે

એમાં તો આખ્ખા ઝાડનો તડકો ઢંકાયો ખિસકોલી રમે

પાંદડું પાંદડું લસરક લસરક પીંછું થયું ખિસકોલી રમે

ઝાડમાં રેશમવરણું ઝાડવું ઊગી ગયું ખિસકોલી રમે

ખિસકોલીના જળમાં ઝાડ કૂંડાળે ચડ્યું ખિસકોલી રમે

ખિસકોલીને ઝાડવા જેવું મોતી જડ્યું ખિસકોલી રમે

ખિસકોલી (ઝાડવાને ચડેલો) ડૂમો રે ખિસકોલી રમે

ડાળી ડાળી બંધ હોઠની લૂમો રે ખિસકોલી રમે

હિંચકા જેવું ઝાડ ને ખિસકોલી જેવી ઠેસ રે ખિસકોલી રમે

શબરી-આંગણ રામ પધાર્યા ખિસકોલીને વેશ રે ખિસકોલી રમે

(ર૧-૪-’૭૬-બુધ.)

સ્રોત

  • પુસ્તક : ખડિંગ (પૃષ્ઠ ક્રમાંક 47)
  • સર્જક : રમેશ પારેખ
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2011
  • આવૃત્તિ : સંવર્ધિત આ.