zankhnaa - Geet | RekhtaGujarati

સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આંખડી,

નવલખ તારાનાં ટોળાં ટળવળે રે જી.

પૃથ્વીપગથારે ઢૂંઢે ભમતા અવધૂત કોઈ

વિશ્વંભર ભરવા નયણે રે હો જી.

— સૂરજ…

મહેરામણ ભૈરવનાદે અલખ પુકારે,

મૂંગા ગિરિઓનાં મસ્તક ઊંચે ઝંખતાં રે જી.

તલખે પંખી ને પ્રાણી, સરવર નદીઓનાં પાણી,

રાતે ડુંગરિયા દવનો જંપતા રે હો જી.

— સૂરજ….

તરણાની છાયા હેઠે કાયા ઢંકાય તારી,

આભનાં આભૂષણ તોયે ઓછાં પડે રે જી.

બ્રહ્માંડ ભરીને પોઢ્યા, કીકીમાં માશો શેણે?

જોવા તોયે લોચનિયાં ઘેલાં રડે રે હો જી.

— સૂરજ…

ગગન ઘેરીને આજે દર્શન વરસો રે વ્હાલા!

ઉરે ઝૂરે રે મારો પ્રાણબપૈયો રે હો જી.

— સૂરજ…

સ્રોત

  • પુસ્તક : સમગ્ર કવિતા (પૃષ્ઠ ક્રમાંક 45)
  • સર્જક : ઉમાશંકર જોશી
  • પ્રકાશક : ગંગોત્રી ટ્રસ્ટ, અમદાવાદ
  • વર્ષ : 1981
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ