pithiali parmaryanun geet - Geet | RekhtaGujarati

પીઠીઆળી પરમાર્યનું ગીત

pithiali parmaryanun geet

મનહર જાની મનહર જાની
પીઠીઆળી પરમાર્યનું ગીત
મનહર જાની

સૂરજ સૂરજ રમતાં વાગ્યો અંધારાનો કાંટો રે જી!

ફાગણવંતા પડછાયાનો બાંધો અમને પાટો રે જી!

સોળ વરસની પાનીમાં કંકુની કૂંપળ ફૂટી રે જી!

અમે ઊંઘમાં સૂંઘી બેઠાં ફૂલપરીની દૂંટી રે જી!

સાવ કુંવારી હથેળિયું મેંદીની ફડશે ઊગી રે જી!

કૉયલ થઈને આંગળિયું આંબાની ડાળે પૂગી રે જી!

અમે અમારે થાનોલે થડકાના પોપટ મેલ્યા રે જી!

આલાં લીલાં પૂર અમારી અડખેપડખે રેલ્યાં રે જી!

મીંઢળબંધા શમણાં પ્હેરી અવસર ઢબૂક્યા ફળિયે રે જી!

પીઠીવરણો જીવ થરકતો ઘરચોળાને તળિયે રે જી!

સ્રોત

  • પુસ્તક : સાંબેલું ચંદણ સાગનું (પૃષ્ઠ ક્રમાંક 5)
  • સર્જક : મનહર જાની
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2001