રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોનિર્જન વનવગડે અલી વાદળી!
જળ શાં ઢોળવાં અમથાં?
રણે રગદોળવાં અમથાં?
એવાં હૈયાસૂનાં સમીપ વિતક શાં બોલવાં અમથાં?
હૃદય શીદ ખોલવાં અમથાં?
ચાતક જળવણ ટળવળે, મેઘ ચડ્યો ઘનઘોર,
ગર્જન કિંતુ જૂઠડાં; જગ એવુંય નઠોર;
છીછરા સરવરને શીદ મલિન જળે અંઘોળવાં અમથાં?
જવાહીર ઝબોળવાં અમથાં?
એવાં હૈયાસૂનાં સમીપ વિતક સાં બોલવાં અમથાં?
હૃદય શીદ ખોલવાં અમથાં?
સુગન્ધ મિઠ્ઠા લિમ્બડા, રસમાં કડવા ઝેર;
મુખ મિઠ્ઠાંના મોહ શા, જો નહિ મનના મેળ?
ગરજુ જગ વડે વણ પાત્ર પ્રણય શો ઢોળવો અમથો?
ઉરેઉર જોડવાં અમથાં?
ઉજ્જડ મરુભૂમિમાં રસિક હૃદય શાં ખોલવાં અમથાં?
જીવન શીદ રોળવાં અમથાં?
મોહ ભીના સંસારમાં, જૂઠા મૃગજળ ઘાટ;
મોંઘી સફરો સ્નેહની, આઘી ઉરની વાટ;
વિજન કો વાડીને એકાન્ત ફૂલો શાં ફોરવાં અમથાં?
દરદ દિલ વ્હોરવાં અમથાં?
કહો ક્યાં મળશે જ વ્હાલો કાન્ત? સ્વજનના સ્નેહની ય કથા?
અવરની મારે છે શી તથા?
—નિર્જન૦
સ્રોત
- પુસ્તક : કાવ્યસંચય-૨ (પૃષ્ઠ ક્રમાંક 288)
- સંપાદક : ધીરુભાઈ ઠાકર, વ્રજલાલ દવે
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 1980