rakhopan - Geet | RekhtaGujarati

કાચી રે છાતીનું ધબકારવું હો જી,

તો સંધા ઊંધા રે ઉધમાત;

હુંને રે ચઢેલો તું તો ચાકડે હો જી!

ક્યાંથી સૂઝે તું ને સુધી વાત?

જેણે રોપ્યાં તે શું રખવાળશે હો જી?

છોને રે જગવગડે ઊઠી સામટી હો જી,

ધખભખ કરતી ઘસતી ભૂંડી લાહ્ય;

ઘેલો રે ગાજંતો છોને વાયરો હો જી

ધ્રુજાવન્તો ધરણીને તોખાર;

જેણે રે રોપ્યાં તે શું પરજાળશે હો જી?

તૂટી છો પડતા રે બારે મેહુલા હો જી,

વીજલજીભે વિશ્વ બધું ભરખાય;

પરખંદા પારખશે જીવનતાર.

જેણે રે રોપ્યાં તે તો રખવાળશે હો જી;

ભયની રે ભભૂતિ અંગે ચોળજે હો જી,

ભવવેરાને રમતો ભમતો, બાપ

જાજો રે જીવનના ખેલો ખેલતો હો જી;

સતને રે એંધાણે જોજે આપ;

હૈયે હૈયે રામરખોપાં આદુનાં હો જી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 58)
  • સંપાદક : જયન્ત પાઠક, રમણલાલ પાઠક
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 1983