wahanne widay - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વહાણને વિદાય

wahanne widay

દેવજી રા. મોઢા દેવજી રા. મોઢા
વહાણને વિદાય
દેવજી રા. મોઢા

સાગર-કાંઠે નાંગરેલાં તમે વળી જાઓ પાછાં વહાણ રે!

તમે વળી જાઓ પાછાં વહાણ!

મારે પિયુડે નિરધારેલાં રદ કીધાં પરિયાણ રે!

તમે વળી જાઓ પાછાં વહાણ!

તમે ઊભાં અહીં ત્યાં લગી મારો શ્વાસ હૈયે સમાય રે!

મારો શ્વાસ હૈયે સમાય!

મારા પિયુડાને વ્હાણ ચડ્યાની લાલચ વળગી જાય રે!

તમે વળી જાઓ પાછાં વહાણ!

કાલ સવારે હું પરણીને આવી, હાથ હજી મીંઢોળ રે!

મારે હાથ હજી મીંઢોળ!

આશા બધી અણપૂરી અમારી, વણપૂર્યા સહુ કોડ રે!

તમે વળી જાઓ પાછાં વહાણ!

લાંબો નહીં ઘરવાસ, અમારે એક રાતની પ્રીત રે!

‘મારે એક રાતની પ્રીત!

પિયુને લઈને સાગર સંચરો : ક્યાંની તમારી રીત રે?

તમે વળી જાઓ પાછાં વહાણ!

નાનકડા દિલમાંહી ભરીયું મોટી મોટી ઘણી વાત રે!

ભરી મોટી મોટી ઘણી વાત!

સર્જનહારે સરજી ત્યારે ચાર પ્હોરની રાત રે!

તમે વળી જાઓ પાછાં વહાણ!

મા-ની માયાને મચક દીધી, ને માન્યા તાત-આદેશ રે!

એણે માન્યા તાત-આદેશ!

બેની રોક્યો બાંધવ રોકાણો : મેં માંડ છંડાવ્યા વેશ રે!

તમે વળી જો પાછાં વહાણ!

નાહક કાંઠડે ઊભાં ઊભાં તમે શાને ચડાવો દાણ રે?

તમે શાને ચડાવો દાણ?

મારે પિયુડે નિરધારેલાં રદ કીધાં પરિયાણ રે!

તમે વળી જો પાછાં વહાણ!

સાગર-કાંઠે નાંગરેલાં તમે વળી જાઓ પાછાં વહાણ રે!

તમે વળી જાઓ પાછાં વહાણ!

હવે તમે અહીં લેશ થોભો તો દોહ્યલી દેવની આણ રે!

તમે વળી જો પાછાં વહાણ!

સાગર-કાંઠે નાંગરેલાં એલાં વળી જાઓ પાછાં વહાણ રે!

સ્રોત

  • પુસ્તક : વનશ્રી (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સર્જક : દેવજી રા. મોઢા
  • પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ.
  • વર્ષ : 1963