Vasant Vanvan... - Geet | RekhtaGujarati

વસંત વનવન ફોરી!

અદ્ભુત કો જાદુગર ફૂંકે સૃષ્ટિ સકલશી મ્હોરી!

શીત શિશિર વેરાગણ આજે બની સુહાગણ આવી

લયલોલ અહો, લટકાળા છંદે ગીત દીધાં છલકાવી,

લહરલહર જગવે મધુ કંપન

રોમરોમ સંકોરી વસંતo

ગોપવ્યુ’તું ઘૂંઘટમાં જેણે મુખ ગોરૂં લજ્જાળું

કલી છેડલે છુટ્ટે દેતી ઈજન હસી મરમાળું,

ઉર ખોલ્યું રંગાવા એણે

ખેલો રસિયા હોરી વસંતo

વિટપવિટપે પરિધાન કર્યાં છે પરિમલનાં પટકૂલ,

રસલોલુપ અલિગણની શોભન હળુ હળુ ઝૂમે ઝૂલ,

ધવલ ચાંદનીચંદનલેપે

કુબ્જા થઈ ગઈ ગોરી! વસંતo

સ્વપ્નસુંદરી શી ધરતીનું રૂપ ચઢ્યું છે ઝોલે,

થનકથનક થેઈ જીયરો મલકે મત્તમગન થઈ ડોલે,

પ્રીતિનો આસવ પી આવ્યો

ફાગણ છેલડ તોરી વસંતo

સ્રોત

  • પુસ્તક : ઈજન (પૃષ્ઠ ક્રમાંક 50)
  • સર્જક : ફકીરમહંમદ મનસુરી
  • પ્રકાશક : રૂપ સહકાર, વલ્લભવિદ્યાનગર
  • વર્ષ : 1968