warta - Geet | RekhtaGujarati

હવે અંધારું ઊતર્યું, વારતાનો દીવો એક પ્રગટાવો; દાદાજી,

આંધળા રાજા ને રાણીના બાડા કુંવરને પટમાં લાવો; દાદાજી,

ભૂતિયા મહેલમાં કુંવરની આસપાસ, અજવાળું બાંધતું જાળાં; દાદાજી.

કુંવરીને જોઈ પોતાને પૂછતો, પડછાયા કેમ કાળા? દાદાજી,

પ્રશ્નો પહેરીને કેમ આગળ જવાશે, કુંવરને સમજાવો; દાદાજી.

ભાંગેલું વહાણ તેમાં ભરાતી રેતી, કેટલે દૂર છે જાવાનું? દાદાજી,

ટચૂકડો દરિયો ને હલેસાં તૂટફૂટ, કુંવરનું હવે શું થાવાનું? દાદાજી.

પ્રશ્નોને આરપાર વીંધે એવું, તીરકામઠું કુંવરને અપાવો; દાદાજી.

ગાઢ એક જંગલ ને જંગલમાં ભરેલી અંધારું ઘોર એક વાવ; દાદાજી,

પાણીમાં જુએ તો પોતે ને પડછાયો રમતા પકડદાવ; દાદાજી,

કુંવરને માણસ પરખાય જરી એટલું અજવાળું પથરાવો; દાદાજી.

આંધળા રાજા ને રાણીના બાડા કુંવરને પટમાં લાવો; દાદાજી,

હવે અંધારું ઊતર્યું, વારતાનો દીવો એક પ્રગટાવો, દાદાજી.

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 365)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007