vadhni - Geet | RekhtaGujarati

હોજી મોરી ગોંઠણ રે વધણી આલે રે વધામણી,

હોજી મોરો માનેલ રે આવી હલકારતો સાંઢણી.

માઝમ તે રાતના હલકારીં સાંઢણી ડાબે ધરુજીને રાખશીં

પીઠ પાછળિયાં નાનેરો ખોલકો હળવે શુકનિયાં ભાખશીં

ચાંદો તે છત્તરછાંયો કરશીં ને તારોડિયાં બાંધશે ચાંદણી - હોજી...

પાદરિયે લેલૂર લેંમડી લેરશીં ને લળીલળીને લેશીં ભામણાં

સાયબાની મ્હેંકે રેલી જશે રે વગડે કૈં મ્હેંકનાં દેશીં રાવણાં

ચાંદણીએ લીંપેલ મારગડે સાંઢણી પગલાંની માંડશીં છાપણી - હોજી...

આવડો તે વગડો મૂંગો શું રેય ભલા! ચીબરી કિલોલમાં બોલશીં

સાંસો તે મોર ઘોડી મારગ આંતરશીં રોફથી મૂંછું ચાટશીં

સાંઢણીને ગૂડે ઘૂઘરા ઘમકશીં તમરાંઓ કરશીં ઉછામણી - હોજી...

વાયરો તે મોર ધોડી ઓકળિયું પાડશીં રણને રૂડું શણગારશીં

હળવી તે ફૂલ થઈ સાંઢણી તરશીં ને પિયુને પાર ઉતારશીં

પાંદે હસીને પાનબાવળિયું દાખશીં રણનીયે લીલી લાગણી - હોજી...

ગામને ગોંદરે ગરવો ઝળુંબશીં કે ગગન ગલાલિયાં ઉડાડશીં

ડેલી ખોલીને અમું ભાળશાં તાંણી સૂરજ પગલાં પાડશીં

પગલાં ઝીલીશું અમું આંજેલ આંખમાં કૈં કરશાં કળાયેલ થાપણી - હોજી...

સ્રોત

  • પુસ્તક : કવિલોક : ફાગણ 2017 (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સંપાદક : રાજેન્દ્ર શાહ, જગુભાઈ શાહ. સુરેશ દલાલ
  • પ્રકાશક : કવિલોક ટ્રસ્ટ