sanj Dhale chhe - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સાંજ ઢળે છે

sanj Dhale chhe

લાલજી કાનપરિયા લાલજી કાનપરિયા
સાંજ ઢળે છે
લાલજી કાનપરિયા

પાછા વળતા ધણની કોટે ઘંટીનો રણકાર થઈને સાંજ ઢળે છે

દૂર ક્ષિતિજે વાદળીઓમાં કેસરિયો ઝબકાર થઈને સાંજ ઢળે છે.

ચલમ ફૂંકતા ગાડાં-મારગ વહી આવતા સીમ ભણીથી ગામ દીમના

બળદોની ઘૂઘરમાળાનો શ્રમેભર્યો ઘમકાર થઈને સાંજ ઢળે છે.

આખુંયે આકાશ ઊતરી આવી બેઠું વૃક્ષો પર પાંખો સંકેલી

કોક અગોચર મંત્રો ગાતાં પંખીનો ટહુકાર થઈને સાંજ ઢળે છે.

લ્યો, ઊડી ગૈ સારસજોડી દૂર નદીની રેત મહીંથી છેલ્લીવેલી

ધીરે ધીરે જળમાં વહેતો ખળખળતો સૂનકાર થઈને સાંજ ઢળે છે.

બંને કર જોડીને લેજો શ્રદ્ધાપૂર્વક નામ હરિનું ઠાકરદ્વારે

ભક્તિથી તરબોળ આરતી, ઝાલરનો ઝણકાર થઈને સાંજ ઢળે છે.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 421)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004